Sunday, November 24, 2013

પશુપાલનમાં પરિશ્રમથી જંગી આવક

- પશુપાલનમાં પરિશ્રમથી જંગી આવક
-
પશુપાલનનો વ્યવસાય કંટાળાજનક કે બોરિંગ નથી, એવું વડોલી અને ઉમરાછીના પશુપાલકોએ સાબિત કરી બતાવ્યું - દૂધના વ્યવસાય થકી સામાન્ય માણસે કરોડ ઉપરની મિલકત વસાવી લીધી છે 
-
ખેડૂતો પણ જો પશુપાલન વ્યવસાયને પૂરક રોજી તરીકે અપનાવે તો કંઇ ગુમાવવા જેવું નથી 
-
ઉમરાછીના દોલતસિંહ દૂધનો વ્યવસાયને રોકડિયો હોવાનું કહે છે, ૧૧૫ ભેંસના તબેલામાં બારેમાસ ઠંડક 
-
પશુપાલનના વ્યવસાયને ઉત્તેજન મળે તે માટે સરકાર પણ પ્રોત્સાહનો આપી રહી છે

આજના યુગમાં બધાને પૈસા તો કમાવવા છે, પણ મહેનત કરવી કોઇને ગમતી નથી. થોડી મહેનત કરવાની આવે એટલે હાથ ઊંચા કરી દે અને તેના તરફ ધીમેધીમે ઉદાસી સેવવા માંડે છે. આવું કંઇ પશુપાલન વ્યવસાય તરફ પણ જોવા મળી રહ્યું છે. વ્યવસાયમાં બારેમાસ મહેનત કરવી પડે છે, જેને પગલે કેટલાયે ખેડૂતો અને પશુપાલકોએ પણ પોતાનો વ્યવસાય છોડી દીધાના કેસ જોવા મળે છે.

બધુ આપણે બાજુએ રાખી દઈ સુરત જિલ્લાના પશુપાલકોએ પશુપાલનનો વ્યવસાય કંટાળાજનક કે બોરિંગ નથી, તેવું સાબિત કરી દીધું છે. એટલું નહીં તેમનો આખેઆખો પરિવાર વ્યવસાય તરફ વળ્યો છે અને તે અન્યો માટે તેઓએ પ્રેરણારૂપ બની રહ્યાં છે.

સુરત જિલ્લાથી ૩૩ કિ.મીના અંતરે આવેલા વડોલી ગામના અજીતસિંહ મોતીસિંહ દોડિયા પશુપાલનના વ્યવસાયમાં ખોટ જાય છે તેવું કહેનારાને ચેંલેજ આપતા કહે છે કે, ૧૯૯૦માં મારી પાસે માત્ર એક ભેંસ હતી. 

૧૯૯૨માં દસ ભેંસ લીધી, તેમાંથી મહેનત કરી આગળ વધતા વધતા આજે ૬૦ ભેંસનો તબેલો ધરાવું છું. દરરોજ ૩૫૦ થી ૪૦૦ લીટર દૂધ વેચાણ સાથે મહિને દહાડે દસ હજાર લીટર દૂધમાંથી સાડા ત્રણથી ચાર લાખની આવક મેળવું છું. દૂધના વ્યવસાય થકી ૩૮ વીંઘા જમીન ખરીદી અને કિમમાં નવ રો હાઉસ ખરીધ્યા છે, એટલે કે એક સામાન્ય માણસ પાસે અત્યારે અંદાજીત બે કરોડની મિલકત છે, જે પશુપાલનના વ્યવસાયને આભારી છે. તેમ અભિમાનપૂર્વક અજિતસિંહ કહે છે.

તેમણે કહ્યું કે, વ્યવસાયમાં મહિલાઓની ભૂમિકા અગત્યની છે. કાર્યમાં પણ તેમની પત્ની કુસુમબેનનો ખૂબ મોટો ફાળો છે. નાના બાળકોની સારસંભાળની જેમ અબોલ પશુધનની સંભાળ લેવી પડે. આંચલ અને બાવલાના સોજો ધંધા માટે પડકારરૂપ ગણાય છે. પણ એની માવજત અને પશુ આરોગ્ય વિભાગ દ્વારા રેગ્યુલર લેવામાં આવતી વિઝીટ ઉપરાંત પશુઆરોગ્ય મેળામાં મળતું માર્ગદર્શન અને આગોતરી આપવામાં આવતી રસીને કારણે અમને ખૂબજ રાહત રહે છે.

આમ એક સામાન્ય જીવન ગુજારતા અજીતસિંહ વર્ષે દહાડે ૪૮ લાખની વાર્ષિક આવક સાથે સુખરૂપ જિંદગી ગુજારે છે. ગામડાઓમાં ખેતી કરતા ખેડૂતો પણ જો પશુપાલન વ્યવસાયને પૂરક રોજી તરીકે અપવાને તો કંઇ ગુમાવવા જેવું તો નથી .

વડોલી ગામની બરોબર સામે આવેલા ઉમરાછી- ગામના દોલતસિંહ રામસિંહ સોંલકી પણ ૧૧૦ ભેંસ પાંચ જેટલી ગાયોના માલિક છે. ૨૫ થી ૩૦ જેટલા નાના વાછરડા - વાછરડી પણ છે. મૂળ ખેતીનો વ્યવસાય, પરંતુ ઘરનું દૂધ ખાવા મળે એમ કરીને દસ વર્ષ પહેલા સાતેક ભેંસ રાખતા હતા. ક્રમશ ગામડાઓમાં પણ દૂધનો ધંધો ઓછો થવા લાગ્યો, મજુર ઘાસચારાની તકલીફને લઇ ગણો કે અન્ય કારણોસર વ્યવસાય પ્રત્યે લોકોનો લગાવ ઓછો થતો ગયો એટલે દોલતસિંહ ભાઇને થયું કે શ્વેતક્રાંતિ ફરી ધમધમતી કરવી જોઇએ એટલે તેમણે ધીમેધીમે ભેંસો ખરીદવાનું શરૂ કર્યું.

પોતે જાતે પસંદ કરીને ભેંસ લઇ આવતા તેમની પાસે બે જાફરાબાદી ભેંસો પણ છે. જે રોજનું ૪૦ લીટર દૂધ આપે છે. બધા પશુધન દ્વારા રોજનું ૮૫૦ થી ૯૦૦ લીટર દૂધ મળે છે. એટલે કે દરરોજનું તેઓ રૂ. ૩૧૫૦૦ જેટલાનું દૂધ ડેરીમાં ભરે છે. એટલે કે મહિને દહાડે રૂ. ,૪૫,૦૦૦ નું દૂધ ડેરીમાં આપે છે. તેમનો દીકરો પણ ટેક્ષટાઇલ એન્જિનયર છે. તે રૂ. ૨૫૦૦૦ની નોકરી છોડીને અહીં જોડાયો છે.

તેમણે કહ્યું કે, પશુપાલન વિભાગના ડોક્ટરો કર્મચારીઓ અમારા માર્ગદર્શીય રહયા છે. પશુને અમે પાળીએ પણ તે બીમાર પડે વાગે તો તેનો ઇલાજ તો લોકો કરે છે. અને જેઓ નિયમિત અમારી મુલાકાત લેતા હોય છે. ટાઇમસર રસી પણ આપી જાય છે. અમે પણ પશુઆરોગ્ય મેળામાં અમારા પશુઓને ખાસ સારવાર માટે લઇ જઇએ છીએ.

તબેલો બીજા કોઇને આપતા નહીં..

વડોલીના અજીતસિંહ કહે છે, કે હું તો આંઠ ચોપડી માંડ ભણ્યો છું પણ મારી બે દીકરીઓએ એમ. બી.એડ કરાવ્યું અને મારો દીકરો ઇજનેરીમાં ભણે છે. તેમના પત્ની કુસુમબેને કહ્યું કે, મેં એક દીવસ મારા છોકરાઓને કહ્યું કે, હવે હું થાકી જાઊં છું તબેલો વેચી કાઢવાની છું ત્યારે તેમનો દીકરો અને સાસરે ગયેલી દીકરીએ કહ્યું મમ્મી તુ થાકી ગઇ હોય તો, તમે જે પૈસા માંગો તે અમે તમને આપી દઇશું પણ બીજા કોઇને આપતા નહીં.

ચોમાસામાં ઘાસચારાનો પૂરતો સ્ટોક

વડોલીના પશુપાલક અજિતસિંહ કહે છે કે ૨૦૦૬ ના પૂર દરમિયાન પણ ત્રણ દિવસ ગામની બહાર નહોતુ નીકળાયું તે સમયે પણ પશુધન માટે દાણ અને ઘાસચારાનો પૂરતો સ્ટોક હતો. આપણે વર્ષનું અનાજ ભરાવીએ તેમ અબોલજીવ માટે પણ અમે ચોમાસાનો સ્ટોક ભરી રાખીએ છીએ. તેમણે તો ઘાસ કાપવાનું મશીન પણ લીધું છે. એક કલાકમાં એક વીઘુંમાં ઊભો ચારો કપાઇ જાય છે

આખું વર્ષ તબેલામાં ઠંડકનો માહોલ

ઉંમરાછીના પશુપાલક દોલતસિંહ સોલંકી પશુપાલન પ્રત્યે લગાવને કારણે તેઓ કાળજી પણ એટલી રાખે છે. તબેલામાં ભેંસોને ઠંડક પ્રસંદ હોય સુમુલ પાસેથી ૫૦ ટકા સબસીડી સાથેનો વોટર સ્પ્રીંકલરનો શેડ પણ મૂક્યો છે. બે મિનિટ પાણીનો સ્પ્રે થાય પછી ૧૦ મિનિટ બંધ રહે મુજબ વરસાદ જેવો ઠંડો માહોલ રાખ્યો છે.

હિસાબ-કિતાબ પાકો રાખો..

હિસાબ કિતાબના માસ્ટર દોલતસિંહ કહે છે કે, મારી ભેંસનો આંકડો જાળવી રાખું છું. ધંધામાં ૩૩ થી ૩૭ ટકા ચોખ્ખો નફો ઉપરાંત ખેતીમાં ખાતરનો તો ખર્ચ બચી જાય છે. છાણિયું ખાતરના લીધે ફળદ્રપતા જળવાઇ રહે છે. તે વધારાનો નફો. દૂધનો રોકડિયો ધંધો કંઇ જરૂર પડે તો કોઇ પાસેથી હાથ લંબાવવો પડે. તો મહેનત અને લગાવ અને મેનેજમેન્ટનું પરિણામ છે.

મહિને ૬૫૦૦૦ની રોજગારી ચૂકવું છું

ઉંમરાછીને દોલતસિંહે કહ્યું કે પશુધનને સાચવવા માટે ૧૦ યુગલ રાખ્યા છે. દરેક ૧૨ થી ૧૩ ભેંસોની અંગત કાળજી રાખે છે. એની ઉપર એક મેનેજર પણ રાખવામાં આવ્યો છે. તમામને ૬૫૦૦૦ હજાર જેટલી રોજગારી ચૂકવવામાં આવે છે. તેઓ પાકી રૂમોમાં રહે છે. તેમના બાળકો શિક્ષણ મેળવે એટલે ખાસ દોલતસિંહએ બાળકોને શાળામાં દાખલ પણ કરાવ્યા છે.

પશુપાલનને સજીવન કરવું જોઇએ

પશુપાલન પવિત્ર વ્યવસાય છે. જેને પુન: સજીવન કરવાની જરૂર છે. જો સારી જાતના ઓલાદની પસંદગી, લીલાચારો, સુવ્યસ્થિત મેનેજમેન્ટ અને પશુઓ પ્રત્યે લગાવ તેનું જતન હોય તો સારી આવક મેળવી શકાય તેમ છે. જિલ્લા પંચાયત સ્વભંડળમાંથી કોઇપણ જાતિના વ્યક્તિને બે પશુ ખરીદવા માટે રૂ. ૨૦-૨૦ હજારની સહાય આપવા માટે રૂ. કરોડ મંજુર કર્યા છે. પશુઓની કાળજી બાબતે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, કિટસ વિતરણ તથા રસી મૂકી પશુપાલકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ડૉ.. ડી.બી. ગિરાણી, નાયબ પશુપાલન નિયામક, સુરત


1 comment:

  1. Lc Highway Is The World's First Biggest Platform Where Anyone Can Read & Write Career Reviews Freely And Book Counsellors With A Money-Back Warranty System. Lc Highway Is Also Helping Students By Providing Other Aspects Like Comparing Career, Career Tests, Career Games, Career Reports And Also Availing Career Camps In Schools. Lc Highway Is An Initiative To Help The Education Sector And Also Provide A Platform Where People Can Discuss Their Career Success In The Form Of Career Reviews.

    ReplyDelete